અમેરિકા સહિત ચાર દેશો દ્વારા ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જેને લઇને ઇરાને સખત નારાજગી વ્યક્ત કરી છે. ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અર્ગાચીએ પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોની આકરી ટીકા કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોઈપણ દેશ તેમના પર અંગત ઈરાદાઓ લાદી શકે નહીં
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અર્ગાચીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, “પશ્ચિમી દેશોએ જાણવું જોઈએ અને આશ્ચર્યની વાત એ છે કે તેઓ હજુ પણ નથી જાણતા કે પ્રતિબંધો એક નિષ્ફળ પ્રયોગ છે. પ્રતિબંધો લગાવી તેઓ તેમના ઇરાદાઓ અમારા પર લાદી નહીં શકે પછી ભલે તે પરમાણું મુદ્દો હોય કે અન્ય દેશો સાથેના સંબધનો મુદ્દો.
ઈરાન પર એવો કયો આરોપ છે જેના કારણે હોબાળો થયો?
વાસ્તવમાં ઈરાન પર રશિયાને બેલેસ્ટિક મિસાઈલો વેચવાનો આરોપ છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ શનિવારે માહિતી આપી હતી કે ઈરાન દ્વારા રશિયાને બેલેસ્ટિક મિસાઈલોના વેચાણ અંગેનો કોઈપણ દાવો પાયાવિહોણો છે.
આ પહેલા બુધવારે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ઈરાને રશિયાને બેલેસ્ટિક મિસાઈલો પહોંચાડી નથી. અમેરિકા અને તેના સહયોગીઓ ખોટી ગુપ્ત માહિતી પર કામ કરી રહ્યા છે.
ગયા મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઈરાનના લોકો માટે આર્થિક આતંકવાદ ગણાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.