મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણપણે બે ગઠબંધન વચ્ચે ‘યુદ્ધ’માં ફેરવાઈ ગઈ છે. એક તરફ મહાયુતિ ગઠબંધન છે તો બીજી તરફ મહાવિકાસ અઘાડી છે. ચૂંટણી પ્રચારમાં તમામ પ્રકારની ભાષણબાજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, મહાયુતિ ગઠબંધનના બે મોટા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આવા એક નિવેદનને લઈને એકબીજાની સામે ઉભા જોવા મળે છે.
અજિત પવારે થોડા સમય પહેલાજ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ ભાજપ દ્વારા અપાયેલા ‘બટોંગે તો કટોંગે’ ના નારાના સમર્થનમાં નથી… અજીત પવારે કહ્યું હતું કે બટોંગે તો કટોગે મહારાષ્ટ્રમાં નહીં ચાલે, મહારાષ્ટ્ર સાધુ સંતોની ભૂમિ છે. અમે તેમના બતાયેલા માર્ગો પર ચાલીશું..અમે સબકા સાથે સબકા વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ.અજિત પવારે વધુમાં કહ્યું હતું કે જો કોઈ એવું વિચારે છે કે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની જેમ છે તો તે ખોટું છે. મહારાષ્ટ્રના લોકોને આવી ટિપ્પણીઓ પસંદ નથી. અહીંના લોકોએ હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કર્યો છે.
જો કોઈ મહારાષ્ટ્રની સરખામણી અન્ય રાજ્ય સાથે કરે તો કોઈને તે ગમશે નહીં.અજીત પવારના આ નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે.. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજીત પવાર લાંબા સમય સુધી એવા લોકો વચ્ચે રહ્યા છે જે લોકો હિન્દુત્વનો વિરોધ કરવાને જ ધર્મ નિરપેક્ષતા માને છે, અજીત પવારનું નામ લીધા વગર ફડણવીસે કહ્યું હતું કે આ એ લોકો છે જેઓ જનતાના મૂડને સમજ્યા નથી અથવાતો તેઓ નારાનો મતલબ સમજી શક્યા નથી.. અથવા તો બોલતી વખતે કંઇ બીજુંજ કહેવા માંગે છે.