Dark Mode
Image
  • Friday, 17 May 2024

શું દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન ? આમ આદમી પાર્ટીની વધતી મુસિબતો વચ્ચે ચર્ચાતો સવાલ

શું દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન ? આમ આદમી પાર્ટીની વધતી મુસિબતો વચ્ચે ચર્ચાતો સવાલ

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી ત્રણ-ત્રણ મોટી ખબરો સામે આવી છે.. પહેલી ખબર એ છે કે આમ આદમી પાર્ટીની નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે..બીજી ખબર એ છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા મનીષ સિસોદિયાએ ફરી વચગાળાના જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો છે, અને ત્રીજી તેમજ સૌથી મોટી ખબર એ છે કે દસ સાંસદો સાથે આમ આદમી પાર્ટીના મોટાભાગના સાંસદો આ મુશ્કેલ સમયમાં ગાયબ થઈ ગયા છે. તેઓ અરવિંદ કેજરીવાલ અને પાર્ટીને એટલી મજબુતાઇથી સમર્થન નથી આપી રહ્યા જેટલું આપવું જોઇએ. જેના કારણે આમ આદમી પાર્ટીમાં ભાગલા પડી ગયા હોવાની પણ ચર્ચા ઉઠી છે.

 

આગ લગાડવાના આરોપો

શુક્રવારે આમ આદમી પાર્ટી વતી દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મોટો આરોપ લગાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં આતિશીએ કહ્યું કે તેમને ખબર પડી છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચાયું છે. આતિશીએ પોતાના આરોપને સાબિત કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ લેખિત અથવા વિડિયો પુરાવા આપ્યા નહોતા પરંતુ એમ કહ્યું કે તેમને એવું લાગ્યું કે આ લેફ્ટનન્ટ ગવર્નરના વર્તનને કારણે થયું છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી નથી, જ્યારે ઘણી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર સતત કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની ફરિયાદ કરતા પત્રો લખી રહ્યા છે. આતિશીએ રાજકુમાર આનંદના મંત્રી પદ પરથી રાજીનામું આપવાને પણ ભાજપના આ જ કાવતરાનો ભાગ ગણાવ્યો હતો.

 

સિસોદિયાની જામીન અરજી

આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જેઓ તિહારમાં બંધ છે, તેમણે જામીન માટે ફરીથી કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે. સિસોદિયાના વકીલે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તે એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેમની પાર્ટી ચૂંટણી લડી રહી છે અને તેઓ લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. મનીષ સિસોદિયાની આ અરજી પર કોર્ટે આજે ED અને CBIને સમન્સ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે CBI અને EDને જવાબ આપવા માટે સમય આપતા આ કેસની સુનાવણી 20 એપ્રિલે સવારે 10 વાગ્યે કરવાનો નિર્ણય કર્યો છે.

 

શા માટે માત્ર 5 ચહેરા જ બોલી રહ્યા છે ?


પરંતુ આ બધાથી ઉપર આમ આદમી પાર્ટીમાં એક ગણગણાટ ચાલી રહ્યો છે. વાસ્તવમાં, પાર્ટીના સૌથી મોટા નેતાઓ જેલમાં ગયા અને કેજરીવાલ પર પોતે લાંચ લેવાનો આરોપ લાગ્યા બાદ પાર્ટીમાં ઘણી બેચેની છે. પાર્ટીના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સાંસદ સંજય સિંહ છ મહિના જેલમાં રહ્યા બાદ તાજેતરમાં બહાર આવ્યા છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીએ હજુ પ્રચાર પણ શરૂ કર્યો નથી. તે જ સમયે, દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે અચાનક જ મંત્રી પદ અને પાર્ટી બંનેમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની જ સરકાર પર ભ્રષ્ટાચારને સમર્થન આપવાના ઘણા ગંભીર આરોપો લગાવ્યા. આ દિવસોમાં, આમ આદમી પાર્ટીના માત્ર ચાર ચહેરા અને કેજરીવાલ પરિવારમાંથી એક ચહેરો એમ કુલ પાંચ લોકો જ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે બોલતા જોવા મળે છે. આ આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજય સિંહ, સંદીપ પાઠક અને સુનીતા કેજરીવાલ આ પાંચ સીવાય કોઇ કંઇ બોલતું નથી.

 

બાકીના સાંસદો ક્યાં છે?

આતિશી અને સૌરભ ભારદ્વાજ દિલ્હી સરકારમાં મંત્રી છે, જ્યારે સંજય સિંહ સાંસદ છે. શરૂઆતથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ એવું નથી કે આમ આદમી પાર્ટીમાં નેતાઓની કમી છે. પાર્ટીના સંસદમાં 10 સાંસદો છે અને તે બધા રાજ્યસભાના સાંસદ છે, પરંતુ તેમાંથી મોટાભાગના હાલ ગાયબ છે. તેમનું મૌન રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. પાર્ટી સૌથી મોટી કટોકટીમાંથી પસાર થઇ રહી છે..અને આ લોકો કાં તો ડરના કારણે જાણીજોઈને ચૂપ છે અથવા તો પાર્ટીની ખરતી ઈમેજથી દૂર રહેવા માંગે છે તેવું ચર્ચાઇ રહ્યું છે. જોકે, દિલ્હીમાં ન હોવાના દરેકના પોત-પોતાના કારણો હોય છે, પરંતુ તેમને સાંસદ બનાવનાર પક્ષ મુશ્કેલીમાં હોય ત્યારે શું આ કારણોથી કોઈ ફરક પડે છે?

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!