Dark Mode
Image
  • Thursday, 09 May 2024

ફિનલેન્ડ ફરીએકવાર દુનિયાનો સૌથી ખુશ દેશ, સર્વેમાં અફઘાનિસ્તાન સાવ તળીયે

ફિનલેન્ડ ફરીએકવાર દુનિયાનો સૌથી ખુશ દેશ, સર્વેમાં અફઘાનિસ્તાન સાવ તળીયે

બુધવારે જારી કરવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રાયોજિત વાર્ષિક વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડને સતત સાતમા વર્ષે વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અને નોર્ડિક દેશોએ 10 સૌથી ખુશ દેશોમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. જેમાં ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડન પણ સામેલ છે. માનવતાવાદી આપત્તિથી પીડિત અફઘાનિસ્તાન સર્વેમાં સમાવિષ્ટ 143 દેશોમાં સૌથી નીચું સ્થાન ધરાવે છે, મતલબ કે દુનિયાનો સૌથી નાખુશ દેશ છે.

 

 

-- અમેરિકા અને જર્મની ટોપ 20માં પણ નહીં :- એક દાયકા કરતાં વધુ સમયથી પ્રકાશિત થયેલા આ વાર્ષિક અહેવાલમાં આ પ્રથમ વખત છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની 20 સૌથી ખુશ દેશોમાં સામેલ નથી. નવા સર્વેમાં અમેરિકા 23મા સ્થાને અને જર્મની 24મા સ્થાને છે.બીજી તરફ કોસ્ટા રિકા અને કુવૈત 12માં અને 13માં સ્થાને છે.

 

 

-- ટોચના દસમાં માત્ર બે એવા દેશો જેમની વસ્તી દોઢ કરોડથી વધું :- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે દુનિયાના સૌથી મોટા દેશોમાંથી કોઈ પણ ખુશહાલ દેશોમાં સામેલ નથી. ટોચના 10 દેશોમાં માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એવા દેશો છે જેમની વસ્તી 15 મિલિયનથી વધુ છે. જ્યારે ટોચના 20 દેશોમાં માત્ર કેનેડા અને યુકે એવા દેશો છે, જેમની વસ્તી 30 મિલિયનથી વધુ છે.

 

 

-- આ દેશના લોકોમાં ખુશીની માત્રા ઘટી :- 2006-10 પછી સુખમાં સૌથી તીવ્ર ઘટાડો અફઘાનિસ્તાન, લેબેનોન અને જોર્ડનમાં જોવા મળ્યો હતો, જ્યારે પૂર્વ યુરોપીય દેશો સર્બિયા, બલ્ગેરિયા અને લાતવિયામાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. હેપ્પીનેસ રેન્કિંગ વ્યક્તિના જીવન સંતોષના સ્વ-મૂલ્યાંકન તેમજ માથાદીઠ જીડીપી, સામાજિક સમર્થન, સ્વસ્થ આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર પર આધારિત છે.

 

 

-- પ્રકૃતિ સાથે ફિનલેન્ડનું ખાસ જોડાણ :- ફિનલેન્ડની હેલસિંકી યુનિવર્સિટીના સુખ સંશોધક જેનિફર ડી પાઓલાએ એએફપીને જણાવ્યું હતું કે પ્રકૃતિ સાથે ફિન્સનું ગાઢ જોડાણ અને સ્વસ્થ કાર્ય-જીવન સંતુલન તેમના જીવનના સંતોષમાં નોંધપાત્ર ફાળો આપે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!