Dark Mode
Image
  • Monday, 20 May 2024

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા શું લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સીટોને ત્રણ આંકડા સુધી પહોંચાડી શકશે?

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા શું લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સીટોને ત્રણ આંકડા સુધી પહોંચાડી શકશે?

-- મણીપુરથી મુંબઇ સુધીની ન્યાય યાત્રા :- 2024ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. કોંગ્રેસ સાંસદની આ યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી બસ અને પગપાળા 6,200 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે. તેમની યાત્રા મણિપુરથી શરૂ થશે, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે અને મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે. આખરે, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા 2.0 માટે મણિપુરને કેમ પસંદ કર્યું? તે સમજવા પ્રયત્ન કરીએ.

 

 

-- યાત્રાની શરૂઆત મણીપુરથી જ કેમ ? :- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રથમ યાત્રા જેનું નામ ભારત જોડો યાત્રા અપાયું હતું તે દક્ષિણથી ઉત્તર સુધીની હતી. આથી આ વખતે પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રા 2.0 કરવાનું નક્કી કરવામાં આવ્યું.. બીજી યાત્રા માટે રાહુલ ગાંધી પાસે બે વિકલ્પ હતા. તેઓ આ યાત્રા અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડથી શરૂ કરવાનું નક્કી કરી શક્યા હોત, જે રુદ્રાક્ષના વૃક્ષોથી ઘેરાયેલું છે. આ રીતે સરળતાથી રાહુલની શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવી શકાઇ હોત બીજું, તેને કોંગ્રેસની ધાર્મિક માન્યતાઓ સાથે પણ જોડી શકાયું હોત. પરંતુ રાહુલ ગાંધીએ આ યાત્રા મણિપુરથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે મણિપુરથી હૃદયદ્રાવક સમાચાર અને વીડિયો સામે આવી રહ્યા છે. આથી મણિપુરની પસંદગી કરવામાં આવી છે. જેથી રાહુલ ગાંધી મોદી સરકાર અને તેના ડબલ એન્જિન સરકારના દાવા પર જોરદાર રાજકીય હુમલો કરી શકે. બીજી તરફ મકરસંક્રાંતિના દિવસે 14મી જાન્યુઆરીથી આ યાત્રા શરૂ કરીને હિન્દુઓની લાગણીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

 

 

-- ન્યાય યાત્રા નામ કેમ અપાયું ? :- રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે સામાન્ય લોકોમાં ઘણી લોકપ્રિય બની ગઈ છે. તેથી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે આ યાત્રાને જનતાની અપેક્ષાઓને ન્યાય આપવા સાથે જોડી શકાય. પાર્ટી ભલે તેને રાજકીય યાત્રા કહેવાનું ટાળી રહી હોય પરંતુ તેને ન્યાય યાત્રા નામ આપીને જનતામાં રાજકીય સંદેશો પાર્ટી મોકલી રહી છે. સૂત્રોનું માનીએ તો, 2019ની ચૂંટણીમાં પાર્ટીની લઘુત્તમ આવક યોજનાને 'ન્યાય' નામ આપનાર પ્રિયંકા ગાંધીએ આ યાત્રાને ન્યાય યાત્રા નામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

 

-- પ્રિયંકાનો પણ પૂરો સહયોગ મળશે :- પ્રિયંકા ગાંધી ભારત જોડો યાત્રા 1 માં ભાગ્યે જ જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે તે ન્યાય યાત્રામાં વધુ સક્રિય જોવા મળશે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીની તૈયારીઓને કારણે જો રાહુલને તેમના પ્રવાસની વચ્ચે અચાનક કોઈ ચૂંટણી કાર્યક્રમ કે સભામાં હાજરી આપવા માટે નીકળવું પડે તો પ્રિયંકા આ પ્રવાસમાં હાજર રહેશે. ભારત જોડો યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ફિલ્મ, રમતગમત અને અન્ય ક્ષેત્રના વ્યવસાયિકો રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે પણ પાર્ટીના પ્રોફેશનલ કોંગ્રેસ સેલે પોતાની વેબસાઈટ જાહેર કરી દીધી છે અને તમામ પ્રોફેશનલ્સને યાત્રામાં જોડાવા માટે ઓપન કોલ કર્યો છે.

 

 

-- ન્યાય યાત્રા સાથે લોકસભા ચૂંટણીની બેઠકોનું ગણિત :- જ્યાં સુધી લોકસભાની બેઠકોનો સંબંધ છે, રાહુલ ગાંધીના મણિપુરથી મહારાષ્ટ્ર સુધીના પ્રવાસમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા 355 છે. અને તેમાંથી કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 14 બેઠકો છે. જો આપણે સાથી પક્ષોને પણ સામેલ કરીએ, જેઓ હવે I.N.D.I.A ગઠબંધનનો ભાગ છે, તો આ બેઠકો 67 સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, ન્યાય યાત્રા દ્વારા રાહુલ ગાંધીની નજર 355માંથી ઓછામાં ઓછી 200 બેઠકો પર હશે, જેથી દક્ષિણ ભારતના સહયોગીઓની મદદથી 272ના જાદુઇ આંક સુધી પહોંચી શકાય, પરંતુ આ જેટલું બોલવામાં સહેલું લાગે એટલું સહેલું નથી. આ ન્યાયયાત્રા જે 14 રાજ્યોમાંથી પસાર થવાની છે તેમાંથી ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યારે રાહુલ ગાંધીની આ યાત્રા કોંગ્રેસને કેટલી મદદગાર સાબિત થશે તે તો સમય જ બતાવી શકે તેમ છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!