Dark Mode
Image
  • Wednesday, 22 May 2024

‘ખુફિયા’ અભિનેત્રી તબ્બુએ કહ્યું- શેક્સપિયરને સૌથી વધુ એક્સપ્લોર વિશાલ ભારદ્વાજે કર્યા

‘ખુફિયા’ અભિનેત્રી તબ્બુએ કહ્યું- શેક્સપિયરને સૌથી વધુ એક્સપ્લોર વિશાલ ભારદ્વાજે કર્યા

બોલિવુડની દમદાર અભિનેત્રી તબ્બુએ તેની આગામી સ્પાય થ્રિલર ફિલ્મ ‘ખુફિયા’ અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ વિશે વાત કરી હતી.

 

તબ્બુની ગણના હિંદી સિનેમાની દમદાર અભિનેત્રી તરીકે થાય છે. ‘હૈદર’, ‘મકબૂલ’, ‘અંધાધૂન’ વગેરે જેવી ફિલ્મોમાં તબ્બુ પોતાની પ્રતિભાનો પરિચય આપી ચૂકી છે. ટૂંક સમયમાં તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ખુફિયા’માં જોવા મળશે, જે સીધી ઓટીટી પર રિલીઝ થશે. વિશાલ ભારદ્વાજ અને તબ્બુનું નામ જે ફિલ્મ સાથે જોડાય એ નક્કી હિટ રહેશે તેવું દર્શકો માને છે. તાજેતરમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં શેક્સપિયરને વિશાલ ભારદ્વાજથી વધુ કોઈએ એક્સપ્લોર નથી કર્યા.

 

 

જાણીતાં દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે વિલિયમ શેક્સપિયરના આઈકોનિક પ્લે હેમલેટ, મેકબેથ અને ઓથેલો પરથી પ્રેરિત થઈને અનુક્રમે ‘હૈદર’, ‘મકબૂલ’ અને ‘ઓમકારા’ ફિલ્મ બનાવી છે. તેઓ પડદા પર કલાસિક ટ્રેજેડી બતાવવા માટે જાણીતાં છે.

 

‘વિશાલ ભારદ્વાજ અનોખા દિગ્દર્શક’

 

 

અભિનેત્રી તબ્બુએ આમાંથી હૈદર અને મકબૂલમાં કામ કર્યું છે. તેણે ડિરેક્ટરની કામ કરવાની શૈલી અંગે જણાવ્યું હતું કે, “વિશાલ ભારદ્વાજની ફિલ્મ બનાવવાની લેન્ગ્વેજ અનોખી છે. તેઓ એક એવા દિગ્દર્શક છે જેમણે રોમાન્સ, અન્ડરવર્લ્ડથી લઈને શેક્સપિયર સુધીના તમામ વિષયો પર ફિલ્મ બનાવી છે. શેક્સપિયરને તેમના કરતાં વધુ સારી રીતે કોઈએ એક્સપ્લોર નથી કર્યું. તેઓ વસ્તુઓને જે રીતે જુએ છે, તેમની દ્રષ્ટિ, તેમની ભાષા, તેમની વાર્તા કહેવાની રીત વગેરે તેમને બાકીના લોકોથી અલગ બનાવે છે.”

 

 

‘ખુફિયા’માં તબ્બુ RAW ઓપરેટિવના રોલમાં દેખાશે

 

તબ્બુ ‘ખુફિયા’માં રિસર્ચ એન્ડ વિંગ એનાલિસિસ ઓપરેટિવની ભૂમિકા ભજવતી જોવા મળશે. પોતાના રોલ અંગે તેણે જણાવ્યું હતું કે, “આ પાત્ર કાલ્પનિક નથી અને હું હજુ પણ તેને સારી રીતે સમજી નથી શકી. આ અધિકારીઓના જીવનને સમજવું બહુ મુશ્કેલ હોય છે કારણકે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેથી મને જે કંઈ સમજાયું તે મેં મારી રીતે સ્ક્રીન પર દર્શાવવાનો પ્રયાસ કર્યો.”

 

 

‘ખુફિયા’ એ વિશાલ ભારદ્વાજ દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ અમર ભૂષણની જાસૂસી નવલકથા એસ્કેપ ટુ નોવ્હેર પર આધારિત છે. તેમાં તબ્બુ, વામીકા ગબ્બી અને અલી ફઝલ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થવાની છે. વિશાલ ભારદ્વાજની સોની લિવ પર સ્ટ્રીમ થયેલી મિસ્ટ્રી થ્રિલર સિરીઝ ‘ચાર્લી ચોપરા’ના પણ વખાણ થઈ રહ્યા છે, જે અગાથા ક્રિસ્ટીની નોવેલ પર આધારિત છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!