ભારતમાં કફ સિરપથી મોતની ફરિયાદ પર થશે કાર્યવાહી, લેબ ટેસ્ટિંગ બાદ જ થશે નિકાસ

ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે ડઝનેક બાળકોના મોતની ફરિયાદો બાદ સરકારે આવા કિસ્સાઓને ફરીથી ન બને તે માટે મોટો નિર્ણય લીધો છે.
હવે ભારતમાં બનેલી કફ સિરપની નિકાસ કરતા પહેલા સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવશે. જો તે યોગ્ય જણાશે, તો તેને પ્રમાણપત્ર મળશે અને તેના આધારે તેને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ નિયમ ક્યારે અમલમાં આવશે?
જાણકારી અનુસાર કફ સિરપના પરીક્ષણનો નવો નિયમ 1 જૂનથી લાગુ થશે. ગયા વર્ષે, ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં ડઝનેક બાળકો ભારતમાં બનેલી કફ સિરપનું સેવન કર્યા પછી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. ત્યારથી સરકાર આ અંગે નવી નીતિ ઘડવાનું વિચારી રહી હતી અને તે અંતર્ગત જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડબ્લ્યુએચઓએ પણ ઉઠાવ્યા સવાલો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ ભારતમાં બનેલી કફ સિરપની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કફ સિરપની નિકાસ ત્યારે જ કરી શકાય છે જ્યારે તેનું સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવે. ટેસ્ટિંગ બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે.
નવો નિયમ 1 જૂન 2023થી લાગુ થશે. આ ટેસ્ટિંગ ચંદીગઢ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને ગુવાહાટીમાં સ્થિત લેબમાં કરી શકાય છે.