Gujarati film Rado, Naadidosh, producer Munna Shukla turns rs 50 crore fraud, ગુજરાતી ફિલ્મ રાડો,નાડીદોષ, નિર્માતા મુન્ના શુક્લએ ફેરવ્યું 50 કરોડ ની છેતરપિંડી

રાડો,નાડીદોષ,લોચા-લાપસી જેવી ગુજરાતી ફિલ્મોના નિર્માતા મુન્ના શુક્લ સામે થયેલી છેતરપિંડીની ફરિયાદ મામલે એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. મુન્ના શુકલ ગેંગે મહારાષ્ટ્રમાં 50 કરોડમાંથી 9000 લોકો સાથે છેતરપિંડી કરી હતી.
મુન્ના શુક્લ સામે સુરતમાં પણ ઠગાઈની ફરિયાદો ઉમેરાઈ રહી છે. હાલમાં મુન્ના શુક્લ સામે તેની 40 જેટલી ફરિયાદો ઉમેરાઈ છે. મહારાષ્ટ્રના ધુલિયામાં ફરિયાદ નોંધાયા બાદ મુન્ના શુકલ પરિવાર સાથે ફરાર થઈ ગયો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં મુન્ના શુક્લ સામે નોંધાઈ ફરિયાદ
ફિલ્મ નિર્માતા મુન્નાએ શુકલ શોબિઝના નામે રાડો,નાડીદોષ,લોચા-લાપસી જેવી ફિલ્મો આપીને ફિલ્મ જગતમાં ટૂંક જ સમયમાં જાણીતું નામ કરી લીધું હતું. મહારાષ્ટ્રના ધુલિયામાં મુન્ના શુકલએ 9 હજાર લોકોને ઠગ્યાં છે.
પોલીસ તપાસમાં મુન્ના શુક્લએ અંદાજે પચાસ કરોડ ઉપરાંતનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુજરાતી, પંજાબી અને મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લા સહિત તેના સાગરિતો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મુન્ના શુક્લએ 9 હજાર લોકો સાથે છેતરપિંડી આચરી
ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના સહિત અન્ય 6 લોકોએ પોન્ઝી સ્કીમ બતાવી અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે. ઠગ ટોળકી દ્વારા રોકાણકારોને દર મહિને 4 ટકા વળતરની લાલચ આપી હતી. ઠગ ટોળકી દ્વારા છેતરપિંડી આચરતા રોકાણકારોએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હાલમાં ટોળકીના ત્રણ સાગરીતો વિમલ પંચાલ, મયૂર નાવડિયા અને હેપ્પી કાનાણીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પકડાયેલ ઠગ ટોળકીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રોડ્યૂસરની ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9 હજાર લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગત પોલીસ પુછપરછમાં બહાર આવી હતી.
ભૂગર્ભમાં ઉતરી ગયો મુન્ના શુક્લ
મહારાષ્ટ્રના ધુલીયાના દોડાઇચા પોલીસ મથકે ગત ઓગસ્ટ મહિનામાં મુન્ના શુકુલ અને તેના સાગરિતો આકાશ પાટીલ સહિતના આરોપીઓ વિરૂદ્ધ બે કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેમ જેમ પોલીસે આ કૌભાંડની તપાસ કરી તેમ તેમ તે વધતો ગયો.
પોલીસને ભોગ બનેલાં 9000 જેટલાં લોકો મળી આવ્યા હતા. બીલીમોરાનો વતની મુન્ના શુક્લ પત્ની અને બે સંતાનો તથા સાળા દેવેશ તિવારી સાથે પાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતો હતો. ધુલીયામાં ગુનો થયો ત્યારથી જ મુન્ના શુક્લ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.