'Gandhi Godse' to release on January 26: Uproar at the screening of 'Ek War'. 26 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહેલી ફિલ્મ 'ગાંધી ગોડસે : એક યુદ્ધ'ના સ્ક્રીનિંગમાં હોબાળો

મુંબઈના એક થિએટરમાં 'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મના એક સ્ક્રીનિંગ દરમિયાન હોબાળો થયો હતો.
નાથુરામ ગોડસેનું મહિમામંડન કરવામાં આવ્યું
ફિલ્મના સ્ક્રીનિંગ સાથે જોડાયેલી પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મીડિયામાં બેઠેલા અજાણ્યા લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ કાળા વાવટા ફરકાવીને ‘ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
લોકોએ કાળા વાવટા ફરકાવીને નારા લગાવ્યા
'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું હતું કે, ફિલ્મમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો મહિમા દર્શાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યો છે, ફિલ્મની આ પ્રકારની વાર્તા બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. હંગામો થયો ત્યારે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી પણ ત્યાં હાજર હતા.
ઘટનાસ્થળે પહોંચીને પોલીસે સ્થિતિ સંભાળી
મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મિની થિયેટરમાં ફિલ્મના કેટલાક ફૂટેજ અને ડાયલોગ્સનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન હંગામો થયો હતો. વિરોધ પ્રદર્શન એટલી હદે વણસી ગયું હતું કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ના વિરોધ પ્રદર્શન સમયે સ્ટેજ પર ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી, ગાંધીજીની ભૂમિકા ભજવતા અભિનેતા દીપક અંતાણી અને ફિલ્મના સહયોગી નિર્માતા લલિત શ્યામ ટેકચંદાણી પણ ઉપસ્થિત હતા.
'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મમાં અભિનેતા ચિન્મય માંડલેકરે ગોડસેની અને ગુજરાતી કલાકાર દીપક અંતાણીએ ગાંધીજીની ભૂમિકા ભજવી છે.
કોઈને અપમાનિત કરવા માટે ફિલ્મ બનાવવામાં આવી નથી: રાજકુમાર સંતોષી
રાજકુમાર સંતોષીએ ફિલ્મના વિરોધમાં હંગામા થયા બાદ જણાવ્યું હતું કે, તેમણે આ ફિલ્મ કોઈને અપમાનિત કરવા માટે કે કોઈને ગૌરવ આપવા માટે ફિલ્મ નથી બનાવી છે. ફિલ્મ દ્વારા ગાંધી અને નાથુરામ ગોડસેને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ફિલ્મના ડાયરેક્ટ રાજકુમાર સંતોષીએ જણાવ્યું હતું કે, લોકો જ્યારે આ ફિલ્મને જોશે ત્યારે તેઓ સમજી જશે કે તેમણે ફિલ્મ દ્વારા શું કહેવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે 'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મનો વિરોધ કરવો યોગ્ય નથી.
26 જાન્યુઆરીએ રિલીઝ થશે 'ગાંધી ગોડસે : એક યુદ્ધ'
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે 'ગાંધી ગોડસે : એક યુદ્ધ' દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં દીપક અંતાણીએ મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી જ્યારે ચિન્મય માંડલેકરે નાથુરામ ગોડસેની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મમાં રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા સંતોષી અને અનુજ સક્સેના પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.