અનુપમા અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અનુપમા સિરિયલમાં અનુજના મિત્રની ભૂમિકા ભજવનારા અભિનેતા નીતિશ પાંડેનું નિધન થયું છે. 51 વર્ષની વયે ગઇ કાલે રાત્રે આ અભિનેતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.
નિતેશ પાંડે મોતઃ છેલ્લા 24 કલાકમાં જાણે પહાડ તૂટી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. પહેલા સ્પ્લિટ્સવિલા 9 ફેમના આદિત્ય સિંહ રાજપૂતનું મોત, પછી સારાભાઇ વર્સેસ સારાભાઇ એક્ટ્રેસ વૈભવીનું અકસ્માતમાં મોત અને હવે અનુપમા સીરિયલના એક્ટર નીતિશ પાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. છેલ્લે અનુપમા સિરિયલમાં અનુજના મિત્ર ધીરજ કુમારના પાત્રમાં જોવા મળેલા અભિનેતા નીતિશ પાંડેનું ગઈ કાલે રાત્રે એટલે કે 23 મેની રાતે હાર્ટ અટેકથી નિધન થયું હતું.
અભિનેતા નીતિશ પાંડે ગઇ કાલે રાત્રે નાસિક નજીક ઇગતપુરીમાં શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ મુજબ નીતિશના સંબંધી અને નિર્માતા સિદ્ધાર્થ નાગરે આ સમાચારની પુષ્ટિ કરી છે. સિદ્ધાર્થ નાગરે એમ પણ કહ્યું હતું કે તેઓ એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને નીતીશના મૃત્યુની જાણ થઈ હતી.
સિદ્ધાર્થનું કહેવું છે કે નીતિશ શૂટિંગ માટે ઇગતપુરી ગયા હતા, જ્યાં તેમને લગભગ 1.30 વાગે હાર્ટ એટેક આવ્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં, તેનું નિધન થઈ ગયું હતું. દુનિયામાંથી નીતિશની અચાનક વિદાયને કારણે પરિવારની સાથે આખી ઇન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે.
નીતીશ પાંડેએ લગભગ 27 વર્ષ સુધી ઉદ્યોગમાં કામ કર્યું!
નીતિશ પાંડે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રહી ચૂક્યા છે. નીતિશે વર્ષ 1995થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અભિનેતાએ તેજસ, સાયા, મંજિલે અપની અપને, જસ્ટજુ, હમ ગર્લ્સ, સુનૈના, કુછ તો લોગ કહેંગે, એક રિશ્તા ભાગીદારી કા, મહારાજા કી જય હો, હીરો મિસિંગ મોડ ઓન અને અનુપમા સિરિયલોમાં ધીરજ કુમારની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં નીતિશ પાંડેએ શાહરુખ ખાનના સહાયકનો રોલ કર્યો હતો, આ સાથે અભિનેતાએ દબંગ 2, ખોસલા કા ઘોસલા, બધાઈ દો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.