પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
બુલેટિન ઈન્ડિયા ભરૂચ : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના તત્કાલીન સીઈઓ એમ.એચ.ખુમાર વતી પાંચ વ્યક્તિઓ સામે રૂ.1 કરોડની લાંચ માગવા બદલ ગુનો નોંધ્યો છે.એસીબીના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ ભરૂચ જિલ્લાના હલાદરા ગામમાં આવેલી લવારા મસ્જિદની જમીન તેના રખેવાળ પાસેથી વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદી હતી. ત્યારબાદ, જમીનને બિન-કૃષિ (એનએ) ઉપયોગ માટે રૂપાંતરિત કરવામાં આવી હતી, અને તેનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના તત્કાલીન સીઈઓ એમ.એચ.ખુમારે તેમના સાગરીતો સાથે મળીને આ જમીન ગેરકાયદેસર રીતે ખરીદી હોવાનો આક્ષેપ કરી ફરિયાદીને એફઆઈઆર દાખલ કરવાની ધમકી આપી હતી.
એફઆઈઆર દાખલ ન થાય તે માટે તેઓએ ભારે લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ મોબાઇલ ફોન પર લાંચની માંગણીઓ અંગેની વાતચીત રેકોર્ડ કરી હતી અને પેન ડ્રાઇવ પર એસીબીને રેકોર્ડિંગ્સ સબમિટ કરી હતી.આ ફરિયાદના પગલે એસીબીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વકફ બોર્ડના સીઈઓ વતી કાર્યવાહી કરતા ચેલારામ જેઠાલાલ પંચાલ, અર્જુન શિવલાલ જોષી, અને પ્રકાશ મનસુખભાઈ નાકીયા સાથે નાયબ કલેકટર વિજય ઝીનાભાઈ ચૌહાણ (હાલ સસ્પેન્ડ) દ્વારા શરૂઆતમાં ૪ કરોડની માગણી કરી હતી. આ રકમ પાછળથી ₹1 કરોડ સુધી વાટાઘાટ કરવામાં આવી હતી.
જેમાં ₹11 લાખ તાત્કાલિક ચૂકવવાના હતા અને બાકીના ₹89 લાખ સોદો ફાઇનલ કર્યા પછી. આ ઉપરાંત અન્ય એક આરોપી મહંમદ હુસેન ઉર્ફે ચાઈનાભાઈ ગનીભાઈ ગાયકવાડે ફરિયાદી અને વકફ બોર્ડના સીઈઓ વચ્ચે એફઆઈઆર દાખલ ન થાય તે માટે મિટિંગ ગોઠવવા માટે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી.પુરાવાના આધારે ગાંધીનગરના એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (2018માં સુધારા), કલમ 7, 7(એ) અને 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે નાયબ કલેકટર વિજય ઝીનાભાઈ ચૌહાણ, ચેલારામ જેઠાલાલ પંચાલ, અર્જુન શિવલાલ જોષી, પ્રકાશ મનસુખભાઈ નાકીયા, અને મહંમદ હુસેન ઉર્ફે ચાઈનાભાઈ ગનીભાઈ ગાયકવાડ સહિતના આરોપીઓ સામે તપાસના ભાગરૃપે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.