બુલેટિન ઈન્ડિયા વાવ : વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. જોકે, ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું હોય એવું લાગી રહ્યું છે.
આજે અહીં વોટિંગ દરમ્યાન ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત આમને સામને આવ્યા હતા. દરમિયાન મતદાન મથક પર મુલાકાત દરમ્યાન બંને ઉમેદવારો એકબીજા સામે હાથ જોડતા નજરે પડ્યા હતા. મતદાન મથક જયારે રાજકીય હરિફો આમને-સામને આવ્યા ત્યારે તેમણે એકબીજા સામે હાથ જોડ્યા, પણ મિલાવ્યા નહીં, સાથે જ ગુલાબસિંહે ટોણો પણ માર્યો. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ઠાકોરે હસતા-હસતા કહ્યું કે અહીં ગુલાબ ખીલશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે. ત્યારે ગુલાબસિંહના નિવેદન પર હાજર લોકો હસી પડ્યા હતા.
વાવ વિધાનસભા પેટા ચુંટણીમાં મતદાન અંગે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોમાં વિકાસના કામોને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી. મતદારો પાણી, ખેડૂતોને સહાય સહિતના મુદ્દાને ધ્યાને રાખી રહ્યા છે. મતદારો માટે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો મહત્ત્વના છે, જેને ધ્યાને રાખીને ભારે ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો EVMમાં સીલ કરશે. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે છે. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ ખડેપગે છે.