વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદને આશ્રય આપનારાઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓએ દેશ છોડવો પડશે.વડાપ્રધાને એમ પણ કહ્યું કે, હું ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.
-> દિવાળી ની હાર્દિક શુભકામનાઓ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, દિવાળી હવે ઘણા દેશોમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, હું દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.” તેમણે કહ્યું, “સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષ આજથી શરૂ થઈ રહ્યુ છે. આગામી બે વર્ષ સુધી દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાનને દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.”
-> ‘અલગતાવાદીઓને ફગાવી દેવામાં આવ્યા છે’ :- તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે અલગતાવાદીઓને ફગાવી દીધા છે. હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે. નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે ભારતમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આજે ભારત પાસે દિશા અને વિઝન બંને છે. વિશ્વના દેશો ભારત સાથે તેમની નિકટતા વધારી રહ્યા છે. અમે દાયકાઓ જૂના પડકારનો અંત કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “છેલ્લા 10 વર્ષનો સમયગાળો ભારતની એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. આજે સરકારના દરેક કામ અને દરેક મિશનમાં રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે.”
-> વન નેશન, વન ઇલેક્શન પર પણ નિવેદન આપ્યું :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હવે અમે એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર કામ કરી રહ્યા છીએ જે ભારતની લોકશાહીને મજબૂત કરશે. અને દેશ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં નવી ગતિ પ્રાપ્ત કરશે અને સમૃદ્ધિ હાંસલ કરશે.”