તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને વકફ બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેનર્જીને આગામી બેઠક સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને સસ્પેન્ડ કરવા માટે મતદાન થયું અને તેમને નિયમ 374 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહત્વનું છે કે વકફ સુધારા બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના સાંસદ અભિજીત ગાંગુલી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી વચ્ચેની દલીલ એટલી વધી ગઈ કે બેનર્જીએ પાણીની બોટલ તોડી નાખી. આ મામલે કેટલાક સભ્યોનું કહેવું છે કે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ તરફ બોટલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ જોરદાર દલીલબાજી બાદ કાચની બોટલ તોડી નાખી અને તેના કારણે તેઓ ઘાયલ થયા, સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્યાણ બેનર્જી આઉટ ઓફ ટર્ન પોતાનો વિચાર વ્યક્ત કરવા માંગતા હતા. તેઓ ત્રણ વખત બોલ્યા હતા અને રજૂઆત દરમિયાન ફરી એકવાર બોલવા માંગતા હતા. ભાજપના સાંસદ અભિજીત ગાંગુલીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
-> કાચની બોટલ તૂટવાથી તે પોતે પણ ઘાયલ થયા :- દરમિયાન, કલ્યાણ બેનર્જીએ પાણીની બોટલ લઇ ટેબલ પર ફેંકી દીધી. આ કાચની બોટલ તૂટવાથી તે પોતે પણ ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સભા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. તરત જ, બેનર્જીને સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના હાથ પર ચાર ટાંકા આવ્યા. બીજી તરફ વિપક્ષી સાંસદોનું કહેવું છે કે પાણીની બોટલને સ્પીકર તરફ ફેંકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો, બલ્કે તેમણે ગુસ્સામાં તેને ઉપાડીને ત્યાં ફેંકી દીધી હતી. જેના કારણે કલ્યાણ બેનર્જીને હાથમાં ઈજા થઈ હતી.
-> 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કરાયું હતું :- અભિજીત ગાંગુલી અને કલ્યાણ બેનર્જી વચ્ચે અગાઉની બેઠકોમાં પણ આવી જ ચર્ચાઓ થઈ છે. 15 ઓક્ટોબરે મળેલી મીટિંગમાં પણ બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્ર સરકારે 08 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું. જો કે, બિલને સંયુક્ત સમિતિને મોકલવાની સાંસદોની માંગને સ્વીકારીને સરકારે તેમને સંસદની સંયુક્ત સમિતિમાં મોકલી દીધું.ડિફેન્સ અને રેલ્વે પછી વક્ફ બોર્ડ પાસે દેશમાં સૌથી વધુ જમીન છે. ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય અનુસાર, દેશમાં વક્ફ બોર્ડમાં 8,65,646 મિલકતો નોંધાયેલી છે. તેમાંથી, કુલ 9.4 લાખ એકર જમીન છે, જેની કુલ કિંમત લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા છે.