બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : દિવાળીના તહેવારો અને ગુજરાતી નવા વર્ષની ઉજવણી વચ્ચે શહેરના શાહીબાગ વિસ્તારમાં જૂની અદાવતના કારણે 24 વર્ષીય યુવકની ચાર વ્યક્તિઓએ છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી.બિટ્ટી દેવી કુશવાહાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર આલોકને શુક્રવારે (1 નવેમ્બર) રાત્રે લગભગ 8:30 વાગ્યે તેમના ઘર નજીક ગોલુ તોમર, ગોપાલ તોમર, ગપ્પુ તોમર અને અન્ય કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં તે પોતાના પુત્રને ઘરે પરત લઇ આવી હતી.
જો કે, આ સંઘર્ષથી ગુસ્સે ભરાયેલા આ જૂથે ફરિયાદીના ઘરમાં છરીઓ અને તલવારો સાથે પ્રવેશ કર્યો હતો અને આલોક અને તેણી બંને પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન ગોપાલ તોમરે કથિત રીતે બિટ્ટી દેવીના માથા પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને ઈજા થઈ હતી. ત્યારબાદ આલોકે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તેઓ સીટી સ્કેન એન્ડ એમઆરઆઈ સેન્ટર ખાતે સીટી સ્કેન કરાવીને ટ્રોમા સેન્ટર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દીપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને એક અજાણ્યો શખ્સ હથિયારોથી સજ્જ થઈને આવી પહોંચ્યો હતો.
તેઓએ કથિત રૂપે આલોકને એમ્બ્યુલન્સમાંથી ખેંચી લીધો હતો અને મોટરસાયકલ પર ભાગતા પહેલા તેને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.આલોકને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બિટ્ટી દેવીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે ચારેય વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમના પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 103 (1) અને કલમ 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.