મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમામ ઉમેદવારોના સોગંદનામા દાખલ કરવામાં આવ્યા છે અને મિલકતની વિગતો પણ બહાર આવી છે. આ સાથે મહારાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર ઘાટકોપર પૂર્વ બેઠક પરથી ભાજપના પરાગ શાહ હોવાનું જાણવા મળે છે.
-> ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની સંપત્તિ 3383.06 કરોડ રૂપિયા છે :- આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના ઉમેદવાર પરાગ શાહની સંપત્તિમાં 575 ટકાનો વધારો થયો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમની સંપત્તિ 550.62 કરોડ રૂપિયા હતી.
-> 1 કરોડ 81 લાખ રૂપિયાની રોકડ રકમ :- એફિડેવિટમાં પરાગ શાહે જણાવ્યું છે કે તેમની પાસે 1 કરોડ 81 લાખ રૂપિયા રોકડા છે અને તેમની પત્ની પાસે 1.30 કરોડ રૂપિયા છે. જ્યારે પરાગ શાહે 7783981 રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેની પત્નીના નામે 8.65 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ છે.
-> 43 કરોડની જવાબદારીઓ :- ચૂંટણી પંચને સોંપવામાં આવેલા સોગંદનામામાં લખવામાં આવ્યું છે કે પરાગ શાહ પર 43.29 કરોડ રૂપિયાથી વધુની લોન છે. સાથે જ તેમની પત્ની પર પણ 10.85 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. એફિડેવિટમાં એમ પણ જણાવાયું છે કે પરાગ શાહ પાસે કોઈ કાર નથી.
-> કોણ છે પરાગ શાહ? :- પરાગ શાહ ઘાટકોપર બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય છે. શાહ એક રિયલ એસ્ટેટ ડેવલપર છે અને તેમના પ્રોજેક્ટ ગુજરાત અને ચેન્નાઈમાં ફેલાયેલા છે. 2017ની BMCની ચૂંટણીમાં તેમણે પોતાની સંપત્તિ 690 કરોડ રૂપિયા જાહેર કરી હતી. તેમની પત્ની માનસી પાસે પણ કરોડોની સંપત્તિ છે જેમાં વાણિજ્યિક, રહેણાંક અને કૃષિ મિલકતોનો સમાવેશ થાય છે.
-> વર્ષ 2019માં પણ સૌથી અમીર ઉમેદવાર હતા :- 500 કરોડથી વધુની સંપત્તિ સાથે 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ સૌથી ધનિક ઉમેદવાર હતા. આ સાથે એફિડેવિટમાં ખુલાસો થયો કે તેમની પાસે 422 કરોડ રૂપિયાની જંગમ અને 78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.