દિવાળી આવી ગઇ છે…વતનથી દુર મોટા શહેરોમાં આવી કામ કરતા પરપ્રાંતિયો પોતાના વતન વેકેશન માટે જઇ રહ્યા છે.. કેટલાક રિઝર્વેશન સાથે જઇ રહ્યા છે તો કેટલાક રિઝર્વેશન વગર જઇ રહ્યા છે. મોટા શહેરોમાં રેલવે સ્ટેશનો પર ભીડ ઉમટી રહી છે.. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 9 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
BMC અનુસાર, બાંદ્રાથી ગોરખપુર જતી ટ્રેન નંબર 22921માં મુસાફરી કરવા આવેલા લોકોની ભીડ એટલી બધી હતી કે નાસભાગ મચી ગઈ હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આ અકસ્માત થયો હતો. નાસભાગમાં ઘાયલ થયેલા મુસાફરોને બાંદ્રાની બાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 9માંથી 7 મુસાફરોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે, જ્યારે 2 મુસાફરોની હાલત નાજુક છે. નાસભાગ બાદ લોકોના કપડા પણ ફાટી ગયેલા જોવા મળ્યા હતા. કોઈનું શર્ટ ફાટી ગયું તો કોઈનું પેન્ટ. તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. પ્લેટફોર્મ પર દરેક જગ્યાએ લોહી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે નાસભાગમાં લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ આપી માહિતી
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું કે ટ્રેન નંબર 22921 મુંબઈથી ગોરખપુર સુધી ચાલે છે. આ ટ્રેનના તમામ કોચ સામાન્ય એટલે કે અનરિઝર્વ્ડ છે. ટ્રેન 5:15 વાગ્યે દોડવાની હતી, પરંતુ તહેવારોની સિઝનમાં લોકો આરામથી ચઢી શકે તે માટે ટ્રેનને 2-3 કલાક અગાઉ પ્લેટફોર્મ પર લાવવાનું નક્કી કરાયું હતું. જોકે, પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા જ લોકો ટ્રેનમાં ચઢવા લાગ્યા હતા. જ્યારે લોકો તેમાં ચઢવા લાગ્યા ત્યારે ટ્રેન ચાલતી હાલતમાં હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
સીપીઆરઓ વિનીત અભિષેકે એમ પણ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ઘણી વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. એકલા મુંબઈથી દેશભરના જુદા જુદા સ્ટેશનો પર 87 ટ્રેનો દોડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.