મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો, એકનાથ શિંદેએ એવો દાવો કર્યો કે શિવસેના (UBT)ના નેતા હવે વિરોધ પક્ષના નેતાના પદ પર નજર રાખી રહ્યા છે કારણ કે તેમના MVA સાથી પક્ષો તેમને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા નથી. નોંધનીય છે કે, શિવસેના (UBT) વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરવા દબાણ કરી રહી છે, પરંતુ સાથી પક્ષો કોંગ્રેસ અને NCP (શરદચંદ્ર પવાર) પાસેથી સમર્થન મેળવવામાં નિષ્ફળ રહી છે.
સીએમ શિંદેએ જાલના જિલ્લામાં એક જાહેર સભામાં જણાવ્યું હતું કે તેમના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થન ન હોવા છતાં, ઠાકરે મુખ્ય પ્રધાન પદ ફરીથી મેળવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. ઠાકરેએ એક સમયે મુખ્ય પ્રધાન બનવાનું સપનું જોયું હતું, પરંતુ હવે તેમના ગઠબંધન ભાગીદારો પણ તેમને તે પદ પર જોવા માંગતા નથી. તેમણે કહ્યું કે ઉદ્ધવની નજર હવે વિપક્ષના નેતા પદ પર છે.
-> દશેરા રેલીમાં એકબીજા પર પ્રહારો કર્યા :- અગાઉ, સીએમ એકનાથ શિંદે અને શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતપોતાની પાર્ટીઓની દશેરા રેલીમાં એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. રેલી દરમિયાન સીએમ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની સરખામણી ઓવૈસીની પાર્ટી AIMIM સાથે કરી હતી. તેમણે કહ્યું કે AIMIMની જેમ ઉદ્ધવની પાર્ટી પણ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ પર નિર્ભર છે.તે જ સમયે, ઠાકરેએ કહ્યું કે મહાયુતિ સરકારે માત્ર મત માટે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવી હતી, જે તૂટી પડી. તેમણે કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું મંદિર બનાવીશું. તેઓ છત્રપતિ શિવાજી મહારાજને પોતાની વોટ બેંક માને છે અને અમે તેમને ભગવાન માનીએ છીએ.