અદાણી ગ્રૂપની અંબુજા સિમેન્ટે ઓરિએન્ટ સિમેન્ટના હસ્તાંતરણની જાહેરાત કરીને, આ ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ વધાર્યું છે. આ સંપાદન માટે અંબુજા સિમેન્ટ રૂ. 8100 કરોડ ખર્ચવા જઈ રહી છે. કંપની તેની પાસે ઉપલબ્ધ ભંડોળ દ્વારા આ ખરીદી પૂર્ણ કરશે. આ સંપાદન પછી, અદાણી સિમેન્ટની કુલ કાર્યકારી ક્ષમતા વાર્ષિક ધોરણે 97.4 MTPA ટન થશે અને કંપની માર્ચ 2025 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 100 મિલિયન ટન કરવા જઈ રહી છે.
-> અદાણી સિમેન્ટનો માર્કેટ શેર 2% વધ્યો :- સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટના સંપાદનથી અંબુજા સિમેન્ટને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટન સુધી વધારવામાં મદદ મળશે. તેમજ અદાણી સિમેન્ટનો માર્કેટ શેર 2 ટકા વધશે. આ સમાચાર હોવા છતાં, બગડતા બજારના સેન્ટિમેન્ટને કારણે, અંબુજા સિમેન્ટનો શેર 1.49 ટકાના ઘટાડા સાથે રૂ. 563.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
-> અધિગ્રહણ 3-4 મહિનામાં પૂર્ણ થશે :- નિયમનકારી ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેણે ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડના 37.90 ટકા હિસ્સાના 7,76,49,413 ઇક્વિટી શેર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત, કંપની 8.90 ટકા હિસ્સો પણ હસ્તગત કરશે જે 1,82,23,750 ઇક્વિટી શેરની સમકક્ષ છે. આ ઉપરાંત, અંબુજા સિમેન્ટ ઓરિએટ સિમેન્ટના હાલના શેરધારકો પાસેથી 26 ટકા હિસ્સા હેઠળ 5,34,19,567 શેર ખરીદવા માટે 395.40 રૂપિયા પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર કરશે. અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે આ સંપાદન 3-4 મહિનામાં પૂર્ણ થશે.
-> 2028 સુધીમાં 140 મિલિયન ટનનો લક્ષ્યાંક :- ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણ બાદ અંબુજા સિમેન્ટની વાર્ષિક ક્ષમતા 2025 સુધીમાં 100 મિલિયન ટન સુધી પહોંચી જશે. કંપનીએ વર્ષ 2028 સુધીમાં તેને વધારીને 140 મિલિયન ટન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અગાઉ અદાણી ગ્રૂપે ડિસેમ્બર 2023માં સાંઘી સિમેન્ટ લિમિટેડને હસ્તગત કરી હતી. આ વર્ષે જૂથે પેન્ના સિમેન્ટ ખરીદવાની પણ જાહેરાત કરી હતી. આ સંપાદન અંગે અંબુજા સિમેન્ટના ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, યોગ્ય સમયે કરવામાં આવેલ આ સંપાદન અંબુજા સિમેન્ટના વિકાસને વેગ આપવામાં મદદ કરશે અને બે વર્ષમાં ક્ષમતા 30 મિલિયન ટન વધારી શકાશે.