શુક્રવારે દિલ્હી વિધાનસભામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ પર ટૂંકા ગાળાની ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. AAPના વડાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઇડી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઇ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને 10 ચૂંટાયેલી રાજ્ય સરકારોને ચોરી લીધી એટલે કે પાડી નાંખી છે.
તેમણે આરોપ લગાવ્યો કે માર્ચ 2016થી માર્ચ 2024 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 વખત 13 રાજ્યોમાં સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો, આ 15 પ્રયાસમાંથી તેઓ 10 પ્રયાસમાં 10 રાજ્યોની સરકારોને તોડી પાડવામાં સફળ રહ્યા . આ સરકાર પાડવામાં આવી તેમ ન કહેવાય પરંતુ આ સરકારો ચોરી લેવામાં આવી તેમ કહી શકાય..અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે અજિત પવાર, પ્રતાપ સરનાઈક અને હસન મુશ્રીફ જેવા મહારાષ્ટ્રના નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ નોંધાયેલા છે, પરંતુ જ્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા અથવા તેમની મૂળ પાર્ટીથી અલગ થયા હતા અને તેમની સરકારને ટેકો આપ્યો હતો ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા.
-> ભાજપ-આરએસએસના સંબંધો પર હુમલો :- દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથેના સંબંધોને લઈને પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સંઘના પ્રચારકો તેમનું આખું જીવન આરએસએસની વિચારધારાને સમર્પિત કરે છે અને બદલામાં તેમને શું મળે છે?
-> LGને મીટિંગ બોલાવવાનો અધિકાર નથી :- એમસીડી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે એમસીડી કાયદામાં સ્પષ્ટ લખેલું છે કે ગૃહની બેઠક બોલાવવાનો અધિકાર માત્ર મેયરને જ છે. એલજી કે કમિશનર ગૃહની બેઠક બોલાવી શકતા નથી. આપણે લોકશાહીમાં જીવીએ છીએ.કાયદામાં લખેલું છે કે જ્યારે પણ ગૃહ બોલાવવામાં આવશે ત્યારે 72 કલાકનો સમય આપવામાં આવશે. દરેક કાઉન્સિલરને સમયની જરૂર છે. પરંતુ અહીં તેમના ઇરાદામાં ખામી હોવાનું જણાય છે. કંઇક ખોટું કરવાનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે, મહત્વનું છે કે મેયરે કમિશ્નરને પત્ર લખીને આજની ચૂંટણીને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવી છે અને આજની ચૂંટણી ન યોજવી જોઈએ તેમ જણાવ્યું છે.