વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીના ભારતના તમામ વડાપ્રધાનોમાં સૌથી વધુ અમેરિકા સમર્થક વડાપ્રધાન હોવાનું અમેરિકન રાજદૂતે નિવેદન આપ્યું છે.. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જો બાઇડેન પણ અત્યાર સુધીના અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓમાં સૌથી વધુ ભારત સમર્થક રાષ્ટ્રપતિ છે. અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી એ સોમવારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની ‘ગાઢ મિત્રતા’ અને બંને દેશો વચ્ચે ઝડપથી વધતાં સંબંધોમાં આ મિત્રતાની ભૂમિકા વિશે વાત કરી. ન્યૂઝ એજન્સી ANI ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગાર્સેટીએ કહ્યું કે પીએમ મોદી ભારતીય ઈતિહાસમાં ‘સૌથી વધુ અમેરિકા સમર્થક પ્રધાનમંત્રી’ છે અને રાષ્ટ્રપતિ બાઈડેન અમેરિકી ઈતિહાસમાં ‘સૌથી વધુ ભારત સમર્થક રાષ્ટ્રપતિ’ છે.તેમણે કહ્યું, બન્ને વચ્ચે ગાઢ મિત્રતા છે.’
ગાર્સેટીએ કહ્યું કે ક્વાડ કે જે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું એક ફોરમ છે તે એક વિઝન સેટ કરવા , સિદ્ધાંતોની પરસ્પર આપ-લે કરવા અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમસ્યાઓનો ઉકેલ લાવવાનું એક ‘શક્તિશાળી સ્થાન’ છે. સાથે જ તેમણે કહ્યું, ‘આ દેશો એ દેશો જેવા નથી , જે નિયમોમાં માનતા નથી અને કાયદાના શાસનને સ્વીકારતા નથી, ક્વાડના ચારેય દેશો પાસે એક સામાન્ય દ્રષ્ટિ છે કે એક સ્વતંત્ર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક હોવો જોઈએ.
–> કોઈએ ક્વાડથી જોખમ અનુભવવું જોઇએ નહીં :- ગાર્સેટીએ કહ્યું કે કોઈને પણ ક્વાડથી ખતરો અનુભવવો જોઈએ નહીં. ક્વાડ એક સૈન્ય ગઠબંધન નથી જે શક્તિનું પ્રદર્શન કરીને શાંતિ સ્થાપિત કરવા માંગે છે. ક્વાડ માત્ર ચાર દેશોમાં કામ નથી કરતું, અમે સમગ્ર પ્રદેશને જોઈ રહ્યા છીએ કે અમે દરેકને કંઈક કેવી રીતે આપી શકીએ.
-> પીએમ મોદીએ કર્યો અમેરિકાનો ત્રણ દિવસનો પ્રવાસ :- ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો, ભારતીય સમુદાયના લોકોને સંબોધન આપ્યું, સંયુક્ત રાષ્ટ્રમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં ભાષણ આપ્યું અને અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી.