જમ્મુથી વધુ એક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જમ્મુના અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.મળતી માહિતી મુજબ, સોમવારે સવારે સેનાની એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં જઈ રહી હતી. ત્યારબાદ આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
-> 15-20 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી :- અહેવાલ છે કે હુમલો આજે સવારે 7:25 વાગ્યે જોગવાનના શિવસન મંદિર પાસે બટ્ટલ વિસ્તારમાં થયો હતો. ત્રણથી ચાર આતંકવાદીઓએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.
-> ગુરુવારે પણ આતંકી હુમલો થયો હતો :- આ પહેલા ગુરુવારે ગુલમર્ગના પર્યટક આકર્ષણ કેન્દ્રથી 6 કિમી દૂર બોટા પાથરી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં બે સૈનિકો અને એક કૂલીના મોત થયા હતા, જ્યારે એક સૈનિક અને એક કૂલી ઘાયલ થયા હતા શુક્રવારે, સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બોટા પાથરી હુમલામાં મળેલા પુરાવા મુજબ હુમલામાં 3-4 આતંકવાદીઓ સામેલ હતા.