બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : હોસ્પિટલના બેદરકારીના કારણે બે દર્દીઓના મોતના આક્ષેપ બાદ ગુજરાતના આરોગ્યમંત્રીએ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રૂષિકેશ પટેલે એક X પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, “ખ્યાતી હોસ્પિટલમાં કથિત ઘટના ખૂબ જ ગંભીર છે. મેં પીએમજેએવાયના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ (એસએએફયુ) દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
જો તબીબી બેદરકારીના આક્ષેપો અથવા પુરાવામાં કોઈ તથ્ય હશે, તો હોસ્પિટલ અને તેમાં સામેલ ડોકટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”આ અંગેની વિગત મુજબ કડી તાલુકાના બોરીસણા ગામે 10મી નવેમ્બરના રોજ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક આરોગ્ય તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેક-અપ બાદ ગામના ઓગણીસ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા.
જ્યાં તમામ દર્દીઓને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. બાદમાં, આમાંથી સાત દર્દીઓ પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બે દર્દીઓના મોત થયા છે, અને પાંચ અન્ય લોકો હાલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને એન્જીયોપ્લાસ્ટીની જરૂર નહોતી, તેમ છતાં તે કરવામાં આવી હતી, અને ત્યારબાદ બેદરકારીને કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ દરદીઓના આયુષમાન કાર્ડમાંથી પૈસા પણ કપાયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે.
મૃત્યુ પામનાર વ્યક્તિઓની ઓળખ નાગરભાઈ સેનમ અને મહેશભાઈ બારોટ તરીકે થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓનાં સગાં-સંબંધીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં, પરંતુ ડૉક્ટરો ગાયબ થઈ ગયા હોવાના અહેવાલ છે, અને હૉસ્પિટલમાં કોઈ જવાબ આપતું ન હતું. ત્યારબાદ લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી, બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
જેના કારણે તેમના પ્રિયજનોના મોત નીપજ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકી પણ આજે સવારે ખ્યાતી હોસ્પિટલ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ સંબંધીઓ પાસેથી ફરિયાદો એકઠી કરી રહ્યા છે અને તેમનો ખુલાસો મેળવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ ચાલી રહી છે.