મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ આજે 5 કલાકથી વધુ મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈથી દોહાની આ ફ્લાઈટ સવારે 3.55 કલાકે ઉપડવાની હતી. મુસાફરો પણ સમયસર વિમાનમાં ચઢી ગયા હતા. પરંતુ આ પછી પણ પ્લેન કલાકો સુધી મુંબઈ એરપોર્ટ પર ઊભું રહ્યું હતું.
એક અહેવાલ મુજબ આ ફ્લાઇટમાં 200 થી વધુ લોકો હતા. એરલાઇન દ્વારા ફ્લાઇટના વિલંબ માટે ટેકનિકલ કારણો દર્શાવવામાં આવ્યા હતા. મુસાફરોને ફ્લાઇટમાં જ બેસીને ટેક ઓફ માટે રાહ જોવી પડી હતી, ઇમિગ્રેશનની પ્રક્રિયા પુરી થઇ ચૂકી હોવાથી તેમને ફ્લાઇટમાંથી ઉતરવા દેવામાં આવ્યા ન હતા.
જો કે મુસાફરોના ગુસ્સા બાદ ક્રૂ મેમ્બર્સે તમામને ફ્લાઈટમાંથી ઉતાર્યા અને ઈમિગ્રેશન વેઈટિંગ એરિયામાં લઈ ગયા.
ફ્લાઇટ ટેકઓફ થવામાં ભારે વિલંબ થવાને લઇને મુસાફરો હેરાન પરેશાન થયા હતા.. એક મુસાફરે દાવો કર્યો હતો કે તેમને આ સંજોગોમાં પાણી કે ભોજન પણ આપવામાં આવ્યું ન હતું. મળતી માહિતી મુજબ, ક્રૂ મેમ્બર ન મળવાને કારણે ફ્લાઈટમાં વિલંબ થયો હતો.. યાત્રીઓ લાંબા સમય સુધી બોર્ડિંગ માટે રાહ જોઈ રહ્યા હતા.
એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
ફ્લાઈટના ટેક ઓફને લઈને કોઈ અપડેટ આવ્યું નથી. સવારે 10 વાગ્યા સુધી ફ્લાઈટ ટેકઓફ થઈ ન હતી. આ અંગે ઈન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.બીજી તરફ જ્યારે X પર એક વપરાશકર્તાએ તેની સમસ્યા વ્યક્ત કરી, ત્યારે એરલાઈને તેની માફી માંગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.